Posted by: narendrajagtap | June 20, 2010

નિર્મલ પ્રેમ

વર્ષાનું આગમન થઇ ચૂક્યું છે.એકદમ ઝીણીઝીણી ફરફર વરસી રહી છે,ઝીણીઝીણી ફરફર મનોમન મલકી રહી છે અને ઉનાળાને હવે જવા માટે જાણે વિનવી રહી છે…ગરમીથી ત્રાહીમામ થયેલા લોકોને આ ફરફરમાં ફરવાની મઝા આવતી હોય તેમ વર્ષાના વધામણાં કરવા નાના મોટાં સૌ ખુલ્લામાં ફરવા નિકળી પડ્યાં અને ઝીણીઝીણી ફરફર માં પલળવાની મઝા લેવા સૌ આતુર છે….પણ રીતુ ની તો આ પ્યારી મૌસમ છે.રીતુને પહેલા પહેલા વરસાદમાં નાહવું ખુબજ ગમે છે…આ પહેલો પહેલો વરસાદ એને ઘણી બધી યાદો આપી જાયછે.રીતુ અને નિર્મલ જ્યારે પ્રથમવાર મળ્યાં ત્યારે પણ તે બંન્નેને સાથ આપવાવાળો તો આ વરસાદ જ હતો….અને તેમના પ્રથમ મિલનને આવકારવા આ ઝીણીઝીણી ફરફર જ આવી હતી ને!!!!!!   

              ત્રણેક વર્ષ પહેલાં કોઠારી કોલેજના પ્રાંગણમાં જ્યારે રીતુ અને તેની સખીઓ ઉભી હતી અને તે વખતે કોલેજના વાર્ષિક રંગારંગ કાર્યક્રમની ચર્ચાઓ ચાલતી હતી તે વખતે રીતુ તેના સર્કલ સાથે ગરબાની પ્રેક્ટીસ અંગે ચર્ચા કરતી હતી અને અચાનક નિર્મલ આવીને પ્રસ્તાવ મુકે છે…. 

     નિર્મલ:  હેલ્લો….. ગાઇઝ…હાઉ યુ… આઇ એમ નિર્મલ…… હું એન્યુઅલ ફંકશનમાં આપણે સૌ ભેગા થઇ એક નાટીકા રજુ કરીએ તે હેતુથી મળવા આવ્યો છું જો તમે સૌ સહકાર આપશો તો આપણી કોલેજનો કાર્યક્રમ ઘણો સારો થઇ શકશે …તમારામાંથી જે કોઇ રાસ ,ગરબા,ડ્રામાં વગેરેમાં ભાગ લેવા ઇચ્છતાં હોય તે કાલે સવારે 9 વાગે સભાખંડમાં આવી જજો પછી વિચારીશું કે કેટલી આઇટમ આપણે તૈયાર કરવી….તો મળીએ કાલે …. બાય…

         નિર્મલ તો પ્રસ્તાવ મૂકીને પવન ઝપાટે ચાલ્યો ગયો પણ રીતુ હજી અવાક બનીને ઉભી હતી….વિચારતી હતી….નિર્મલ !!!! હાય કેટલો હેંડસમ ..ગૌર ત્વચા કેવી વાક છટા.. કેટલો પ્રભાવશાળી અને વિશ્વાસથી છલકતો ચહેરો….અને જતે જતે લાઇટ મધુર પર્ફ્યુમની મહેક મૂકતો ગયો….લાગે છે કે આની સાથે કામ કરવાની મઝા આવશે… વિચારોમાં ગરકાવ થઇ રીતુ સ્ટેચ્યુ થઇ ગઇ અચાનક પાયલ બોલી …:એતો ગયો હવે જાગ …. ત્યારે રીતુને થયુ કે ઓહ ! મે વધારે પડ્તુ વિચારી લીધુ… કેમ હું ઇમ્પ્રેસ થઇ ગઇ … પણ રીતુ લાચાર હતી  કેમકે નિર્મલનું વ્યક્તિત્વ જ એવુ હતું

     બીજા દિવસે સવારે 9 વાગે બધા સભાખંડમાં ભેગા થાય છે . એક સુગમ ,એક ગઝલ,એક સમુહગીત,એક ગરબો,બે એકપાત્રિય અભિનય અને એક એકાંકી નાટક એમ આટલી આઇટમ એંન્યુયલ ફંક્શનમાં કરવી તેવું નક્કી થયું …કોણ કોણ શેમાં રહેશે ,દરેક આઇટમનો ટીમ મેનેજર વગેરે, પ્રેક્ટીસ કોણ કરાવશે વગેરે બધુ નક્કી કરતાં બપોરનો એક વાગી ગયો…આ સમગ્ર તૈયારીના કેન્દ્ર સ્થાને મુખ્ય નિર્મલ જ હતો..તે તેના મિત્રોમાં અગ્રેસર સ્થાન ધરાવતો હતો અને તેના મિત્રોનો તેને ગજબનો સહકાર હતો.નિર્મલ નક્કી કરે તે ક્યારેય તેના મિત્રો ઉથામે નહીં …નિર્મલ પણ તેના મિત્રોના સાથ  સહકારથી ખુશ હતો અને બધી જ તૈયારી હોશે હોશે કરતો હતો. 

                 રીતું નો કંઠ મધુર હતો,તે ખુબ જ સુંદર  ગાતી હતી…રીતુ પોતે પણ એક સુગમ ગાવાની હતી અને એકાંકીમાં એક મહત્વનો રોલ પણ પ્લે કરવાની હતી.રીતુ અને પાયલ બે પાક્કી દોસ્ત હતી, સાથે જ કોલેજ આવતી અને સાથે જ જતી ….પાયલ રીતુને ચિડવવા ખાસ કહેતી…..”નહી રીતુ ! નિર્મલ ખરેખર મસ્ત છોકરો છે! શું વિચાર છે ?” રીતુ પાયલ ને ડોળા કાઢીને ખખડાવતી….”શું યાર ! પાયલ મજાકની પણ કોઇ હદ હોય….પ્લીઝ  સ્ટોપ ઇટ”          

     પાયલ બૂચકારા બોલાવી રીતુને શાંત કરતી…..પણ રીતુ… મનોમન નિર્મલ વિષે તો વિચાર્યા જ કરતી………

       એક દીવસ સાંજે સભાખંડ માં પ્રેક્ટિસ કરતાં સાંજના 6 વાગી ગયા અને અચાનક વરસાદ નું જબરજસ્ત ઝાપટું શરુ થઇ ગયું…. ને પાયલ અને રીતુ વિચારતાં રહ્યાં કે હવે ઘેર કેવી રીતે જવું …કોલેજથી આગળના રસ્તે  તો પાણી ભરાઇ જાય છે ક્યાંક સ્કુટી બંધ થઇ જશે તો ???  

       સભાખંડ ના બહારના ઓટલા ઉપર આ બે બહેંનપણીઓ વિચાર કરતી હતી અને નિર્મલનું આગમન થયું…

         નિર્મલ :હેલ્લો ! શું વિચારો છો ? એની પ્રોબ્લેમ ?

         પાયલ: નિર્મલ ! આ રીતુ કહેછે ઘેરે જતાં જો સ્કુટી બંધ થઇ જશે તો !!!!!

         નિર્મલ : ઓહ ! નો પ્રોબ્લેમ ….નિર્મલ પાસે બધાં ઇલાજ છે ..તમે મારી બાઇકની પાછળ પાછળ આવો… જો સ્કુટી બંધ થશે તો હું છુ ને ???

પાયલ : ઓ.કે.

રીતુ જાણે કાંઇપણ વિચાર્યા વગર જાણે ખેંચાતી હોય તેમ ચાલવા લાગી…

નિર્મલના બાઇકના પાછળ આ બે જણ સ્કુટી લઇને ચાલ્યા… રીતુનું સ્કુટી પાયલ ચલાવતી હતી પણ પાયલ ખુબ જ નટખટ અને તોફાની હતી…

નિર્મલ જ્યાં ઓછું પાણી હોય ત્યાં ધ્યાન પૂર્વક બાઇક ચલાવી આ બે જણને ગાઇડ કરતો હતો… પણ પાયલને તો જાણે પાણી ઉડાડવાની મઝા આવતી હતી અને રીતુનો જીવ તાળવે ચોટ્યો હતો …બસ હવે વધારે પાણી ભરાયેલો રસ્તો  થોડોક જ બાકી હતો અને નિર્મલ જે રસ્તે સાઇડે સાઇડે જતો હતો તેની પાછળ જવાનું ટાળીને પાયલ બરોબર વચ્ચેથી સ્કુટી કાઢવા ગઇ ને સ્કુટીનાં સાયલેંસરમાં પાણી ભરાઇ ગયુ અને ખાબોચીયા વચ્ચોવચ્ચ  બંધ થઇ ગયું…

   પાણીનાં ખાબોચીયાની વચ્ચે બંન્ને સખીઓ પલળતાં ઉભા રહી ગયાં… રીતુને પાયલ ઉપર ગુસ્સો આવેલો હતો અને રીતુને ખિજાયેલી જોઇને પાયલને જાણે મઝા આવતી હોય તેમ મરક મરક હસતી હતી. રીતુ ગુસ્સામાં લાલચોળ થઇ ગઇ હતી અને પાયલને લડવા લાગી

   “એની પાછળ કેમ ના ચલાવ્યુ ને વચ્ચોવચ્ચ્થી કાઢ્યું …તારે હાથેકરીને સ્કુટી બંધ જ પાડવુ હતુ… તારી જ બદમાસી છે પાયલ તુ સાઇડમાં ચલાવી સકતી હતી …”

પાયલ સહેજ નજર ફેરવીને મંદ હાસ્ય હસી રહી હતી…  

બિચારો નિર્મલ પોતાનું બાઇક રોડ પર ઉભુ રાખીને ખાબોચિયાંમાં ચાલતો ચાલતો આવી સ્કુટી બહાર ખેંચી ગયો અને મહામુસીબતે ન જાણે કેટલીયે કિક માર્યા  પછી ચાલું કર્યું

અને જેવુ ચાલુ થયુ કે તરત રીતુ માત્ર થેંક્સ કહી નિર્મલની સામે જોયા વગર તરત જ પાયલની સાથે ત્યાંથી નિકળી ગઇ.. રસ્તામાં પાયલે ઘણો પ્રયત્ન કર્યો વાત કરવાનો પણ રીતુ કાઇજ બોલ્યા વગર ચલાવે જતી હતી.

   બીજા દીવસે જ્યારે સભાખંડમાં હજી નિર્મલ આવતો હતો અને પેસેજ માં હતો અને મધૂર કંઠ તેના કાને અથડાયો ….”પાન લીલુ જોયુ ને તમે યાદ આવ્યા જાણે મૌસમનો પહેલો વરસાદ….

આ શબ્દો કાને પડતાં જ નિર્મલ ઉભો રહી ગયો અને એક અર્ધખુલી બારીમાંથી નજર કરી તો રીતુ મગ્ન થઇ ગાઇ રહી હતી. નિર્મલ ને આજે જ ખ્યાલ આવ્યો કે રીતુ જેટ્લી સુંદર છે તેટ્લો સુમધુર તેનો કંઠ પણ છે.. કંઠ માં મધુરતાં છે …કેટ્લુ લયબધ્ધ ગાય છે .નિર્મલ સ્તબ્ધ થઇ ગયો. ગીત પુરુ થયાં પછી અંદર આવ્યો ને સડસડાટ રીતુ પાસે પહોચી ગયો અને તાળી વગાડીને કહેવા લાગ્યો …

     “વાહ રીતુ વાહ શું મધુર કંઠ છે અને કેટ્લુ સરસ ગીતનું સિલેક્સન છે …વાહ વાહ કોંગ્રેચ્યુલેશન  કહી હાથ લાબો કરી શેકહેંડ કરવાં પ્રસ્તાવ કર્યો અને જાણે ચૂંબકીય શક્તિમાં ખેંચાઇ હોય તેમ રીતુએ પોતાનો હાથ આગળ ધરી દીધો અને નિર્મળનો પ્રથમ  સ્પર્શ તેને દઝવાડી ગયો………

                    રીતુ તો પછી જઇને એક કોર્નરમાં બેસી ગઇ, જાણે આખા શરીરમાં તાવ ચડી ગયો હોય તેમ શૂન્યમનસ્કે બેસી રહી તેને જ સમજાતુ ન હતુ કે તેને હાલ શું થાય છે.

પાયલ: રીતુ ! તારી તબીયતતો સારી છેને ? કે તને સ્પર્શનો નશો ચડ્યો છે  ?

રીતુ : પાયલ … કીપ યોર ટંંગ …. મારી સાથે આ રીતે વાત નહી કર …મને બિલકુલ પસંદ નથી …. પ્લીઝ પાયલ…

પાયલ : ઓકે ઓકે રીતુ ગુસ્સે ના થા પણ મને એમ તો કહે નિર્મલનો હાથ કઠણ હતો કે કોમળ…….

રીતુ પાયલ ને રીતસર ધક્કો મારી ગુસ્સેભરી ચાલે હોલ છોડી પેસેજ માં જઇને બેસી ગઇ……

     પાયલ વિચારતી હતી કે આનું શુ કરવુ ? અને આ બાજુ રીતુ પોતાને જ સમજી શકતી ન હતી અને એક તો આ તોફાની પાયલ એને મૂઝવી નાખતી હતી.  રીતુ થોડીવાર બેસીને સીધી સડસડાટ કોલેજની કેંટીનમાં જતી રહી એને કોફીપીવાનો મૂડ હતો ,એણે કોફીનો ઓર્ડર આપ્યો … હજીતો બે ત્રણ ચૂસ્કી મારી હશે ને તેની પાછળ આવીને ચૂપચાપ પાયલ ઉભી રહી ગઇ….રીતુ વિચારોમાં મગ્ન હતી…

 પાયલ  : ઓહ ! તો મહારાણી એકલા એકલા બેસ્ટ  ફ્રેંડને છોડીને કોફી ગટ્ગટાવી રહ્યા છો.. ? કેમ આ નાચીજ  યાદ ના આવી  ???

રીતુ : પાયલ તુ મને હમણાં હમણાં ખુબ જ બોર કરે છે .. મે તારુ શું બગાડ્યુ છે ? મારી પાછળ પડી ગઇ છે …. પ્લીઝ  પાયલ મારો ઇરાદો એકલા કોફી પીવાનો ન હતો પરંતુ તારા વર્તન ના કારણે મારે કેંન્ટીન માં આવતાં રહેવુ પડ્યુ…

  પાયલ : ઓહ તો હવે આપને મારુ વર્તન પણ નથી ગમતું સારુ સાહેબ હવે કાલથી હું તને નહીં પજવું પણ તારા ગયા પછી નિર્મલ તારા વિષે વાતો કરતો હતો….

  રીતુ એકદમ પાયલની સામે જોવા લાગી  અને સહસા પૂછવા જતી હતી ને તેને એકદમ ભાન થયુ કે વળી પાયલ પૂછ્શે કે ….બેન તમને નિર્મલ ની વાતોમાં ઘણો રસ છે  ?

માંડ રીતુ એ પોતાની જાતને સંભાળી ને પૂછવાનુ માંડવાળ રાખ્યું અને પાયલ માટે કોફી મંગાવી બેસવાનું કહ્યું ….

  પાયલ રીતુંને જાણે ધારી ધારીને નિરખતી હતી ને મનોમન વિચારતી હતી કે રીતુને નિર્મલે પોતાના વિષે શુ કહ્યુ તે સાંભળવું નહી હોય ? કેમ રીતુ પૂછતી નથી ? રીતુ મારાથી કેમ આટલી રીઝર્વ રહેતી હશે..?   એમ વિચારતી હતી ને કોફી પીતી હતી…

  રીતુ એમ વિચારીને કોફી પીતી હતી કે પાયલ ને પૂછુ કે ના પૂછુ ? …પૂછીશ તો પાછુ પાયલ શું વિચારશે ઉપરથી પાયલ વળી મારી ઠેકડી ઉડાવશે એમ વિચારી ધીરે ધીરે કોફી પીવા લાગી…

છેવટે કોફી પુરી કરી પાયલ અને રીતુ કેંટીન છોડી ઘેરે જવાની ઉતાવળમાં નિકળી ગયા….

———————         ———-    ———— ——-          ————

  રાત્રે જમીને રીતુ  ગેલેરીમાં ખુરશી નાખીને બેઠી હતી ને વિચારતી હતી કે નિર્મલે શું વાતો કરી હશે  .. મારુ ગીત તેને ઘણુ ગમ્યુ હશે ? બીજા લોકોનો શું અભિપ્રાય હશે ? એમ વિચારતી એકદમ ઉભી થઇ અને ફોન પાસે પહોચી ફોન ઉપાડી પાયલને ફોન જોડ્યો અને મગજમાં વિચારોના ઘમસાણ વચ્ચે પાછુ યાદ આવ્યુ કે પાયલ  ક્યાંક ઉંધુ લેશે તો અને ફોન મુકી દીધો …. ફરી પાછુ થોડુ વિચારીને ફરી પાયલને ફોન જોડ્યો  ..સામે છેડેથી પાયલે જ ફોન ઉપાડ્યો.

   રીતુ : પાયલ … સોરી યાર મારા વર્તન નું ખોટુ ના લગાડીશ પણ તુ મને હમણાનો ગુસ્સો લાવી દે તેવુ વર્તન કરે છે … અને કોણ જાણે કેમ પણ હમણા નો મને ગુસ્સો ખુબ જ આવી જાય છે અને હું અપસેટ થઇ જાવુ છુ …

પાયલ : ડોંટ વરી રીતુ … આપણા બે વચ્ચે કોઇ ફોર્માલીટી ના હોય યાર ! પણ તું આવી રીતે ક્યારેય મને મુક્યા વગર કોફી પીવા ગઇ નથી એટ્લે મને થોડી નવાઇ લાગી…

રીતુ : ના દોસ્ત ..થોડીક અપસેટ હતી એટ્લે ..

પાયલ : ઓકે ઓકે બોસ બીજુ કાઇ પુછવુ છે ?

રીતુ વિચારતી હતી કે પાયલને પુછી લઉ નિર્મળ શુ કહેતો હતો ? વળી પાછુ મન એમ કહેવા લાગ્યુ કે નાના વળી પાછુ પાયલ શુ ધારશે ..અને મને ચિડવવાનુ બહાનુ મળશે એમ વિચારી… પાયલને કહી દીધુ  “નાના પાયલ ,ચાલ ત્યારે કાલે મળીશુ “  એમ કહી ફોન મુકી દીધો…

રીતુના મગજમાંથી વિચાર હટ્તો જ ના હતો કે નિર્મલે શું શું વાતો કરી હશે … રીતુને એમ પણ થતુ કે હું કેમ નિર્મલ વિષે આટ્લુ વિચારુ છુ ? હજી મારે તેની સાથે ઓળખાણ થયે તો અમૂક કલાકો જ થયા છે .વિચારોના અવઢવ વચ્ચે વિચારતી વિચારતી રીતુ સુઇ ગઇ

====================    ==================     ==============

એન્યુલ ફંકશન વચ્ચે હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે .તડામાર તૈયારી ચાલે છે… બધા જ વ્યસ્ત છે. લગભગ 18-20 દિવસમાં જે પ્રેક્ટીસ થઇ અને  તે દરમ્યાન રોજ મળવાનો જે ક્રમ ચાલ્યો તેમાં જાણે યંત્રવત રીતુ નિર્મલના મોહપાશમાં જકડાતી જ ગઇ અને હવે તેને એમ મનથી લાગવા લાગ્યુકે નિર્મલ એના માટે કોઇ ખાસ વ્યક્તિત્વ છે……………………………

  પરંતુ નિર્મલ રીતુને એક સારી મિત્ર ગણતો હતો ..એકાંકી નાટકની પ્રેક્ટીસ દરમ્યાન નાટકના પાત્રો ને લઇને રીતુના મનમાં જે ભાવ નિર્મલ માટે પેદા થયો તે નાટક મટીને વાસ્તવિક થતો ગયો જ્યારે નિર્મલ નાટકને માત્ર નાટકના પાત્રના રુપમાં જ મૂકીને ચાલતો હતો પણ તેને રીતુ માટે સંપૂર્ણ  સન્માનની લાગણી હતી …જ્યારે રીતુ હવે મનોમન નિર્મલને ચાહવા લાગી હતી પણ મનોમન…માત્ર મનોમન……તેણે આ વાત પોતાની બેસ્ટ ફ્રેંડ પાયલને પણ ના જણાવી ,તે ખુબ જ ટૂંકા ગાળામાં ઘણી જ અંતર્મુખી થઇ ગઇ એમ કહો ને કે જાણે સાવ સ્વભાવ જ બદલાઇ ગયો હતો

————————-        —————————          ———————

કોલેજના પ્રથમ વર્ષનું રીઝલ્ટ આવ્યું …નિર્મળ ટોપ માં હતો… હવે તો કોલેજના પ્રાધ્યાપકો અને પ્રિંસીપાલનો પણ માનીતો અને ચહીતો સ્ટુડંટ નિર્મળ હતો… વિવેકી અને સ્પષ્ટ વક્તા તરીકે તેની છાપ હતી ;આમતો નિર્મલ, રીતુ,પાયલ બધા મિત્રો સાથે રોજ મળતાં વાતો કરતાં ને કેંટીનમાં ચા-કોફી નાસ્તો કરતા… જ્યારે પણ આ ત્રણેય સાથે હોય ત્યારે પૈસા નિર્મળ જ આપતો અને હવે તો જાણે રીતુને પૈસા’ના’આપવાની આદત થઇ ગઇ હતી ઘણીવાર તો હકથી કોફી પી લેતી નિર્મલ આ બધું જ સ્વાભાવિક જ લેતો હતો … અને નિર્મલ તો આમેય રીતુને પોતાની માત્ર બેસ્ટ ફ્રેન્ડ જ ગણતો હતો….

          જોતજોતામાં ત્રણ વર્ષ કોલેજના પૂર્ણ થઇ ગયા ,રીતુની સગાઇની વાતો ઘરમાં થવા લાગી અને રીતુ મુંઝાવા લાગી તેણે ઘણા સારા ઘરના અને સારા છોકરાના માંગા ઠુકરાવ્યા હતાં પરંતુ એક દિવસ તેના પપ્પાએ કહ્યું  ‘રીતુ એક ખુબ જ સારા અને સંસ્કારી ઘરનું માંગુ છે …ખુબ પૈસાદાર નથી પરંતુ જાણવા મળ્યા મુજબ છોકરો એમ.બી.એ. છે અને શરુથી ભણવામાં ટોપ પર રહેલો છે એટલે તારુ ભવિષ્ય મને ત્યાં ઉજળું દેખાય છે જો તુ કહેતો વિચારીએ ‘

    કોણ જાણે કેમ રીતુનું મન માનતું ન હતું તેના મનના એક ઉંડા ખુણા માં કોઇ સમાઇ ગયુ ગતું ..તેને કંઇ સમજ ના પડી શું જવાબ આપવો ….

      બે ચાર દિવસ પછી રીતુની મમ્મીએ સ્વભાવિક વાતવાતમાં કહ્યું  ‘રીતુ તારા પપ્પાએ તને કાંઇ વાત કરેલી તો તે શું વિચાર્યું બેટા ?… જો દિકરા આમ સારા ઘરનાં માંગા ઠુકરાવીશ તો  પછી આવો સારો –હોશિયાર-સંસ્કારી અને એમ.બી.એ. થયેલો નિર્મલ જેવો છોકરો તને નહી મળે … હા..એ છોકરાનુ નામ નિર્મલ છે….

       રીતુ ના કાન ઉપર તેની મમ્મીના શબ્દો અછડતાં જ પડયા પણ જાણે દીલમાં ઉતરી ગયાં અને ફરીવાર જાણે સાંભળવા ઇચ્છ્તી હોય તેમ તેણે તેની મમ્મી સામે જોયું ……તેની મમ્મીએ તેને ફરીવાર કહ્યું …..હા,બેટા,આવો સારા ઘરનો હોશિયાર,દેખાવડો ,સંસ્કારી એમ.બી.એ. થયેલો આ નિર્મલ તો  મને અગાઉં આવેલા બધા કરતા સારો લાગે છે…

રીતુ જાણે એકદમ તેના શરિરમાં કોઇ નવિન સંચાર થયો હોય તેમ  જાણે કોઇ નિર્ણય ઉપર આવવા લાગી અને રીતુએ તેની મમ્મીને કહી દીધુ

     “મમ્મી તમને યોગ્ય લાગતુ હોય તો મને વાંધો નથી અને રીતુના રોમ રોમમાં એક નવી ચેતના –નવી સ્ફુર્તિ અને નવા રક્તનો આવેગ વહેવા લાગ્યો… જાણે નિર્મલ નામે ઘેલી થઇ…અને નિર્મલ પ્રેમ ને વધાવ્યો

Posted by: narendrajagtap | June 5, 2010

તપોબળ

 

એક નાનકડા ગામથી દૂર એક સૂમસામ જગ્યાએ એક નાનું કોટેજ હતું. કોટેજની બહાર ખુલ્લી જગા અને ભરચક ઝાડી ને ખુશનુમા વાતાવરણ …મંદિરસમી પવિત્રતા ભાસે…પક્ષીઓનો કલરવ કર્ણપ્રિય લાગે.

        બસ,આવી આ તપોભુમીમાં એક ગુરુજી બિરાજમાન છે.તેમનાચાર પાંચ શિષ્યો સાથે અહીં રહે છે.ગુરુજીનું વ્યક્તિત્વ ખુબજ આકર્ષક છે.ઉચી કાયા,લાંબા છૂટા વાળ,હવામાં ફરફરતી દાઢી,સફેદ વસ્ત્રમાં પડછંદ કાયા-સૌમ્યમૂર્તિ લાગે..આધ્યાત્મિક અને યોગમાં પારંગત એવા ગુરુ જડીબુટ્ટીઓનું જ્ઞાન ખુબ જ સારું ધરાવતા હતાં. લોકો દૂરદૂરથી ગુરુજી પાસે પોતાની સમસ્યાઓ લઇને આવતાં,ગુરુજી પોતાનાથી બનતી સેવા સુશ્રુષા કરતા.ત્યાં રહેતાં શિષ્યોને તથા બહારથી આવતાં અન્ય લોકોને ગુરુજી પ્રાણાયામ શિખવતા.ચારેબાજું દૂરદૂર સુધી ગુરુજીની નામના ફેલાયેલી હતી.

        5 મી ડીસેમ્બરના રોજ સવારે કોટેજનું વાતાવરણ ગંભીર હતું.રૂમની વચ્ચે ગુરુજીનું શરીર હતું અને ઉપર ધોળી ચાદર ઓઢાડેલી હતી.ચાર શિષ્યો આજુબાજુ ઉભા હતા.જેમાં ત્રણ શિષ્યોનાં ચહેરા એક્દમ ખિન્ન અને વધુ પડતાં ઉદાસ જણાતા હતાં.જ્યારે ચોથો શિષ્ય જે ગુરુજીની સૌથી વધુ નજીક રહેતો હતો તે ગંભીર મુદ્રામાં હતો,તેનું ધ્યાન સતત તેની કાંડે બાંધેલી ઘડીયાળ ઉપર હતું.પોલીસ ઇંસ્પેક્ટર એમનાં બે-ત્રણ જમાદાર સાથે ત્યાંનો અભ્યાસ કરતાં હતાં.બીજા બહારથી આવેલ ત્રણ સ્ત્રી તથા બે પુરુષો ત્યાં ઉપસ્થિત હતાં.ઇંસ્પેક્ટર પોતાની રીતે અને શંકાશીલ સ્વભાવે બધાને નિરખતાં હતાં ગુરુજી અચાનક દેહાવસાન પામ્યા છે તેમ બધા જાણતાં હતાં

        ઇંસ્પેક્ટર ગુરુજીના પ્રિય શિષ્ય નામદેવને પૂછે છે”ગુરુજીને રાતથી કોઇ તકલીફ હતી? કોઇ ફરીયાદ કરેલી ? છાતીમાં દુ:ખવાની કે બીજી કોઇ….?

નામદેવ કહે છે- “ના સાહેબ , ગુરુજી રાત્રે સુતાં સુધી એકદમ સ્વસ્થ હતાં સવારે ઉઠ્યાં ત્યારે પણ એક્દમ સ્વસ્થ જણાતાં હતાં.સવારની તમામ પ્રાત:વિધી એમણે પોતાના સમય પ્રમાણે યોગ્ય રીતે પતાવી છે.”

ઇંસ્પે….”તો પછી અહીં ક્યારે સુતા? પહેલા કોને જાણ થઇ ? વિગતવાર મને જણાવો…”

નામદેવ: “સવારે આઠ વાગે મને જાણ થઇ.હુ અને મારા ત્રણેય ગુરુભાઇ બહાર લાકડા વીણવા ગયેલાં. હું ત્યાંથી આવીને બહાર છોડને પાણી પાતો હતો.દૂરથી મારી નજર રૂમમાં પડી અને હું દોડતો આવ્યો. મે ગુરુજીને ઢંઢોળ્યાં… પણ તે બોલ્યાં નહી ત્યારબાદ મે મારા ગુરુભાઇઓને બોલાવ્યાં…અને પાંચ જ મિનિટમાં પ્રથમ સંપર્ક મે આપનો સાધ્યો..”

 ત્યારબાદ,ઇંસ્પેકટર બહારથી આવેલા સજ્જ્નો અને સન્નારીઓની પૂછપરછ કરે છે… 

      એક પડછંદ યુવક જેણે રેક્ઝીનનું જાકીટ પહેર્યુ છે,અને માથે કેપ પહેરી છે… તે સુકાપાંદડા પર ધીરે પગલે ચાલતો ચાલતો કુટીર તરફ આવે છે…ત્યાં ઉભેલા બધા જ તેને નિરખવાનો પ્રયત્ન કરે છે,કિંતુ કેપને હિસાબે ચહેરો સ્પ્ષ્ટ દેખાતો નથી,બધા તેના ઘણા જ નજીક આવવાની રાહ જુએ છે ને અંતે ઇંસ્પેકટર તેને ઓળખીને તેની સામે જાય છે વેલકમ કરવાં….

ઇંસ્પે: “વેલકમ  એંડ ગુડ સરપ્રાઇઝ ! ડીટેક્ટીવ જોય ! શં તમને આ પ્રકારના કેસની ગંધ આવી જાય છે કે શું!?

જોય :ના-ના ઇંસ્પેક્ટર !! હું અવાર-નવાર ગુરુજીના ચરણસ્પર્શ કરવા આવું છું . અહીથી પસાર થતો હતો… થયુ લાવને ગુરુજીને મળીને જાઉં… કેમ ! અહીં કઇ બન્યુ છે ?

ઇંસ્પ :તો મિ.જોય હવે ખેદ સાથે જણાવવુ પડશે કે ગુરુજી…….

જોય : શું વાત કરો છો ? શું થયું ?

બધા અંદર આવે છે. ઇંસ્પેક્ટર તેમને વાતથી વાકેફ કરે છે-  ડીટે..જૌય પોતાનું ભેજું વાપરવાનું શરુ કરે છે…તે નામદેવ સિવાયના ત્રણ શિષ્યોની પૂછપરછ શરૂ કરે છે… નામદેવ પોતાના કાંડા ઉપર પહેરેલી ઘડીયાળમાં થોડી થોડી વારે દેખે છે.અત્યારનાં સાડા આઠ થયેલા છે.

ડીટે (નામદેવ ને) નામદેવ.. અત્યારે અહીં ઉભેલા જેટલા લોકો છે તેમાથી અહીથી કોઇ બહાર ગયું તો નથીને ?

નામદેવ  આજુબાજુ જોયા વગર જ વિશ્વાસથી કહી દે છે કે “સાહેબ બધા તો અહીના અહી જ છે.”

      ઇંસ્પેકટર ત્યાં ઉભેલા લોકોનું નિરીક્ષણ કરે છે ચારે બાજુ નજર દોડાવે છે તેમને એમ લાગે છે કે અહીં કોઇક ખુટે છે ….

ઇંસ્પે . શિષ્યોને સામુહીક પૂછે છે બહારથી આવેલા મહેમાનોમાં આ ત્રણ સ્ત્રી સીવાય પુરુષ કેટલા હતાં… નામદેવ ત્વરાથી જવાબ આપે છે “બે પુરુષ   “ તેને અચાનક ખ્યાલ આવે છે કે, એક પુરુષ તો ગાયબ છે.તે તરત મહેમાનોને પૂછે છે…” તમારી સાથે આવેલ અન્ય એક જણ ક્યાં છે ?”

     મહેમાનોમાં સ્ત્રીઓ અને અન્ય પુરુષ એક બીજાની સામે જોઇ વિસ્મય પામે છે….

તેઓને પણ હવે જ ખ્યાલ આવે છે કે તેમનામાનો એક જણ ત્યાં હાજર નથી ! એ ક્યારે ક્યાં ગયો તેનો કોઇને કશો ખ્યાલ જ નહતો.

       તરત જ ઇંસ્પેકટર પેલા પુરુષને તતડાવીને પૂછે છે ,”મિ.ક્યાં છે તમારો સાથીદાર ?”

ડીટે :”જમાદાર બહાર તપાસ કરો જલ્દી, ઇંસ્પેક્ટર આપ અહીં જ રહેજો ધ્યાન રાખજો કોઇ ખસે નહી “ ડીટે.જોય બહાર નિકળી ચારે બાજું નજર દોડાવે છે- ક્યાંય કોઇ જણાતું નથી ત્રણ પોલીસવાળા બધે આંટો મારીને પાછા આવે છે….

         એક પોલીસ : સાહેબ ,અહીં તો કોઇ જ નથી અમે આખો એરીયા દોડીને ચેક કરી લીધો છે.”

જોય :”તો પછી આ એક માણસ જાય ક્યાં ?”

તરત ડીટે. જોય ઝડપભેર અંદર આવી ઇશારાથી ઇંસ્પેક્ટરને બોલાવે છે … બે જણ અંદરોઅંદર કૈક સંતલસ કરે છે… આ બધું થયે જાય છે –ત્યારે પણ ….નામદેવ તો કાંડા ઘડીયાળ જ દેખે છે…અત્યારના 9 વાગ્યા છે.

    ઇંસ્પેક્ટર,ત્રણ સ્ત્રી અને એક પુરુષ જ્યાં ઉભા છે ત્યાં આવે છે અને તેમની સંબોધીને કહે છે “ જુઓ મિત્રો,તમારામાંથી આમ અચાનક તમારો માણસ ગુમ થાય અને તમે કાંઇ જાણો જ નહી તે કાઇ સમજાતુ નથી ! અમારે તમારી સાથે કોઇ સખતાઇથી કામ લેવું પડે તે યોગ્ય નહી લાગે….તમારામાંથી કોઇ કશું જાણતું હોય કે કાંઇ છુપાવ્યું હોય તો હજીપણ સમય છે જલ્દી બોલી જાય….”

     એક સ્ત્રી કંઇક કહેવાનું વિચારે છે પછી પાછું માંડી વાળે છે એ મનોમન કઇક વિચારતી હોય તેવું લાગે છે.તે ત્રણ સ્ત્રીઓ અક બીજાની સામે દયામણાં ચહેરે દેખે છે.

એક સ્ત્રી : સાહેબ, તેમનીતબિયત આજે સવારથી ઠીક નહતી.અને તેમનોજ ઉપચાર કરવાં અહીં આવ્યા હતા

 ઇંસ્પેક્ટર: તો તમે તેમના પત્ની છો?

સ્ત્રી: “જી…હા, આ મારા જેઠ –જેઠાણી છે અને આ બહેન અમારા ધરમાં જ ભાડુઆત તરીકે રહે છે… તેપણ ગુઋજીના દર્શને આવેલા…”

ઇન્સ્પેકટર: “ઓ હો તો એમ વાત છે… મી.જોય હવે તો આપણે આ બહેનના મીસ્ટરને શોધવા જ પડશે”

 ડીટે. જોય શિષ્યોને સંબોધીને “જાઓ,તમે જંગલમાં દુરસુધી તપાસ કરો..

પોલીસને સંબોધીને “ તમો પણ જરા બારીકાઈ થી બધે નિરીક્ષણ કરો…..”

બધા જાય છે પણ નામદેવ તો ત્યાંજ સ્થિર ઉભો રહી સ્વસ્થ રીતે માત્ર પોતાના હાથે બાધેલ કાંડા ધડીયાળ જ દેખે છે.

નામદેવને સંબોધીને કહે છે કે “ ભાઈ,તું કેમ અહીયાં જ ઉભો છે!” નામદેવ કહે છે “નાસાહેબ, હું મારા ગુરુજી ને મુકીને ખસીશ નહિ….”

ઇન્સ્પેકટર અને ડીટેકટીવ એકબીજાને દેખે છે આંખોથી વાત કરે છે.

એક શિષ્ય દોડતો દુરથી ઇન્સ્પેકટરના નામની બુમો પાડતો આવે છે તેની દુરથી સંભાળાતી

બુમો સાંભળી અંદર રહેલા બધા તે બાજુ નજર દોડાવે છે. ઇન્સ્પેકટર ઝડપથી બહાર જાય છે. શિષ્યને દોડતો આવતાં દેખતા ઇન્સ્પેકટર પણ તે તરફ ઝડપથી જાય છે, અધવચ્ચે હાંફતો પેલો શિષ્ય કહે છે.

શિષ્ય: “એક માણસને અમે નીચે કોતરોમાં જોયો છે તે કોણ છે તેતો ખબર નથી પણ કદાચ      આ લોકોની સાથે આવેલ જ લાગે છે…”

ઇન્સ્પેકટર દોડતો તે તરફ જાય છે…જયાં દુર મેદાન પુરુ થયા બાદ ઉંડી કોતરો આવેલી છે,જે થોડે દુર આવેલી નદી સુધી કોતરો પથરાયેલી છે… ઇન્સ્પેકટર મેદાનના ઉપરના ભાગેથી નીચે નજર કરે છે, દુર કોઈ વ્યકિત દેખાય છે… બધાજ ત્યાં ઉભા રહી તે વ્યકતીની પ્રતિક્ષા કરે છે… 

        આખરે ઘણીવાર પછી તે વ્યકતી સામેથી આવતી જણાય છે… એક શિષ્ય ઓળખી જાય છે કે આતો આવેલા મહેમાનોમાંથી જ એક છે… તેને બધા કુટીર સુધી લઈ આવે છે… પછી, ઇન્સ્પેકટર તથા ડીટે.જોય તેની પુછપરછ કરે છે… તે વ્યકિત ખુબજ મૌન રહે  છે અને ખુંબજ ઓછા શબ્દોમાં ન છુટકે જવાબ આપે છે

        તે વ્યકિતની પત્નિ દોડતી તેની પાસે આવે છે અને તેને પુછે છે કે તમે કયાં જતા રહેલા? તેવ્યકિત ટુંકમાં કહે છે કે “ તેની તબિયત સારી નથી એટલે તે કુદરતી હાજતે ગયેલો…”

આ સાંભળી ઇન્સ્પેકટર અને ડીટે.જોયને આવા પ્રસંગે પણ હળવું હાસ્ય આવી ગયું! આ માણસે ધડીકવારમાં તો બધાને અધરતાલ કરી નાખ્યા…. અને વાતમાં કંઈ દમ ના નિકળયો..!!!

હવે તો ઇન્સ્પેકટ્રર અને ડીટે.જોય બન્ને અકળાયા હતા, કે કાંઈ સમજ નથી પડતી કે શું કરવું … છેવટે ગુરુજીના શરીરને હોસ્પીટલ લઈ જઈ પોસ્ટમોટૅમ કરવાનું વિચારાય છે…હવે નામદેવ ભડકે છે તરતજ પોતાની પ્રભાવી અને શિષ્ટ તથા કડક વાણીમાં કહે છે કે “મારા ગુરુજીના શરીરને હું ચુંથવા નહી દઉ.. ગુરુજીના શરીરને તે રીતે હું કોઈને સ્પર્શ નહિ કરવા દઉ .. મારા ગુરુજીની સમાધિ  અહીં જ બનશે… આપ ચાહોતો ડોકટરને અહીં બોલાવી શકો છો…બાકી… પોસ્ટમોટૅમ તો હું નહીજ કરવા દઉ…. મારા ગુરુજી એક વિભુતી છે તેમના દેહને હું વાઢકાપ કરવા નહિ દઉ…..!”

ઇન્સ્પેકટર અને ડીટે.જોય બન્ને વિમાસણમાં પડે છે- તેમને બન્નેને એક સાથે વિચાર આવે છે કે- પહેલા ડોકટરને તો અહીં બોલાવીએ. તરતજ એક પોલીસવાળાને જીપ લઈને તેડવા મોકલે છે….

        પોલીસની જીપમાં પોલીસવાળો ડોકટરને લઈને આવે છે… ડોકટર આવીને શરીર ઉપરની શ્વેત ચાદર ખસેડે છે…. આખા શરીરનું અવલોકન કરે છે…. શ્વાસોચ્છવાસ નિહાળેછે… થેટસ્કોપથી દેખે છે… નાડી પણ ચેક કરે છે… પગના તળીયા દેખે છે… ડોકટર બધાની  સામે  જોઈને ઈશારાથી જ કહે છે “ કે શરીરમા કંઈ નથી…. નામદેવ ડોકટરની સામે કઈક જુદી જ રીતે દેખે છે અને પોતાની કાંડા ધડીયાળમાં નજર કરે છે, ત્યારે 9-30 થેયેલા હોય છે….

            પોલીસ ઈન્સપેકટર, ડીટે.જોય અને ડો. ભટ્ટ ત્રણ જણ એક સાઈડમાં આવીને હવે ખુબજ ગંભીર રીતે ચર્ચામાં પડે છે, કે હવે શું ઉકેલ લાવવો… ઘણીવાર પછી અંતે એવા નિર્ણય ઉપર આવે છે, કે ગુરુજીને હોસ્પીટલ લઈ જવા અને પોસ્ટમોટૅમ કરવું જ પડે…. કેમકે આ અગે જે વિધિ થતી હોય તે તો કરવીજ પડે.. કાલ ઉઠીને સમાજમાંથી કોઈ કાંઈ આરોપ  મુકાય તો બધાંને તકલીફ પડે…

ત્રણે જણા પોતાનો નિર્ણય નામદેવને જણાવે છે નામદેવ નક્કર રીતે પોસ્ટમોટૅમની ના પાડે છે…. તે ચાર જણા વચ્ચે ઘણી રકજક થાય છે… અંતે ડીટેકટીવ જોય પોતાનો આખરી નિર્ણય જણાવે છે અને લાશને હોસ્પીટલ લઈ જવા કટિબધ્ધ થાય છે .પોતે ઓડૅર આપી દે છે… પોલીસવાળાને “ ચાલો, ગુરુજીને હોસ્પીટલ લઈ ચાલો…” પેલા તરત ગુરુજીની પાસે આવીને ઉપાડવાની તૈયારી કરે છે અને નામદેવ ઉંચા અને ગંભીર સ્વરે કહે છે “ મુરબ્બી ડોકટર સાહેબ, જોયસાહેબ અને આપ ઈન્સ્પેકટર સાહેબ હવે તકલીફ લેવાની રહેવા દો… અમારા ગુરુજીને કયાંય લઈ જવાની જરુર નથી..” ત્રણેય જણ નામદેવની સામે અચરજ થી જોઈ રહે છે. ત્રણ ગુરુભાઈ પણ નામદેવની સામે વિસ્મયતાથી દેખે છે…!!!

નામદેવ: “ હાજી…. મારા ગુરુજી ને કયાંય લઈ જવાના નથી… અને તેમેને શું થયું  છે ? ઈન્સ્પેકટર, તમારી બધી તપાસ પુરી થઈ ગઈ ? કોણે માર્યા મારા ગુરુજીને? શું ડોકટર ભટ્ટ્ સાહેબ આપે તો  બરોબર ચેક કરી લીધુ ને કે ગુરુજી જીવીત નથી આપને ફરી વીંનતી કરીશ કે આપ કાંઈ ભુલતાં નથી ને આપ બીજી વખત ચેક કરી શકો છો…. જોય સાહેબ આપની ધનિષ્ઠ તપાસમાં પણ કાંઈ બાકી રહેતુ હોય તો કમી પુરી કરજો…”

        “આજે હું આપ સૌની  પ્રથમ તો  માફી માંગીસ… આપ અધિકારીઓનો કિંમતી સમય પણ વેડફાયો… પરંતુ ખાસતો ઈન્સ્પેકટર સાહેબ અને ડો.ભટ્ટ સાહેબ આપને ખાસ કહેવાનું છે “ આપ એક દિવસ ગુરુજી સાથે ચર્ચામાં ઉતેરલા… જો આપને યાદ હોય તો, આપે કહેલું કે પ્રાણાયમ અને યોગ વડે મ્રુતપ્રાય: સ્થિતી અસંભવ  છે… પણ અસંભવને સંભવ કરી મારા ગુરુજીએ  આજે સાબિત કરી આપ્યું છે કે આત્માંને બહ્મમાં પહોચાડીને મ્રુતપ્રાય: સ્થિતી સર્જી શકાય છે… આ બધુ વર્ષોની સાધનાનું ફળ છે…. અથાગ શકિત કેળવવીપડે છે અને જાનનું જોખમ પણ રહેલું છે….આ સાધના અને ઉપાસના ના કંઈક અંશો ગુરુજીએ મને પણ શિખવ્યા છે કેમ કે હવે આ સ્થિતીમાંથી આ સાધનાને ભંગ કરવાની પણ એક ક્રિયા છે…ગુરુજીએ મને શિખવી છે… આ પરિસ્થિતીમાં ગુરુજી કેટલો સમય રહી શકે છે તે માત્ર હું જ જાણુ છું અને એટ્લે જ હું  ચિંતીત હતો કે કયાંય વધુ સમય ના થઈ જાય કેમ કે આશરે બે કલાક જેવા સમય સુધી ગુરુજી આત્માને બ્રહ્મમાં રાખી શકે છે… … હવે આપ સર્વેને મારી વિંનત છે કે…. આપ સર્વે સહેજપણ અવાજ ના થાય તે રીતે શાંતિ જાળવશો… ગુરુજીને સમાધિમાંથી પરત લાવવાનો સમય થઈ ગયો છે….!!!”  

        નામદેવ ગુરુજી ના શરીર ઉપરથી શ્વેત વસ્ત્ર ખસેડી લે છે… એક તાંબાના લોટામાંપાણી લઈને ગુરુજીની સમીપ જઈ આસન પાથરીને બેસે છે અને આંખો બંધકરીને મંત્રોચ્ચાર કરીપ્રથમ જળ પગ ઉપર નાખે છે… ફરી આચમન કરી  જળ નાભી ઉપરનાખે છે… ત્રીજી વાર આચમન કરી મંત્રોચ્ચાર કરી જળ મો ઉપર છંટકાવ કરે છે…પછી નાભીમાંથી ઓમનો ધીરે ધીરે ઉદ્દધોષ કરે છે … ઉદ્દધોષ ચાલું રાખે છે… ગુરુજીના આંગળામાં ચેતન આવે છે… શાંત પ્રસન્નમુખે ધીરે ધીરે ગુરુજી આંખ ખોલે છે… અને ઓમનો ઉદ્દધોષ કરે છે થોડીવાર પડયા રહીને … ગુરુજી જાણે ગાઢ નિંદ્રામાંથી  જાગ્યા હોય તેમ જાગે છે…. આજુ બાજુ  જોઇ ઈન્સ્પેકટર, ડીટેકટીવ જોય, ડો. ભટ્ટ બધાને આછુ પાતળુ સ્મિત કરે છે… ડો.ભટ્ટ તરત જ ગુરુજીના પગમાં પડી જાય છે…

ભટ્ટ: “ગુરુજી ,આપ મહાન છો! આપની સાધના અલૌકિક છે… આપે આજે અમારો ભ્રમ તોડી નાખ્યોં છે… અમે તો ગુરુજી આપને મુત્યુ પામ્યા છો તેમ સમજેલા… ક્ષમા કરો ગુરુજી…

ઈન્સ્પેકટર  પણ ગુરુજીના ચરણમાં નમી પડે છે….

 ગુરુજી: “ યોગથી આત્માને સાધી શકાય છે… યોગ એટલે દૈન દિન્ય ક્રિયા, આધ્યાત્મિક સાધના  તથા પ્રાણાયામને કેળવવા પડે છે… વર્ષોનો અભ્યાસ કરવો પડે છે… એમાં આપણા પુર્વજો રૂષિમુનિઓના આશીર્વાદ કામ કરે છે…. તપ કરવું પડે છે.. દેહને તામસી આચાર વિચારથી મુકત કરી…. સાત્વિકતા તરફ વાળવો પડે છે… દેહને અંદરથી શુધ્ધકરી આત્મા સાથેનો નાદ જગાવવો પડે છે… પ્રભુમાં લીન થઈ એકાગ્રહ થઈને બ્રહ્મલીન થવાય છે……..!!!

                                                                       નરેન્દ્ર જગતાપ

Posted by: narendrajagtap | મે 9, 2010

વાર્તા માં વિચારો

પ્રિય મિત્રો…. વાર્તાના નવા બ્લોગ દ્વારા વાર્તામાં મારા વિચારો  મુકીશ… આપને ગમશે… કદાચ એ દ્વારા આપ સૌ મને વધારે નજીકથી નિહાળી શકશો… જે હું મારા કાવ્યો દ્વારા અને ગઝલ દ્વારા પુરુ કહી નથી શક્તો…તે વાર્તા દ્વારા કહેવા પ્રયત્ન કરીશ… મારા વિચારો આપને મારી વાર્તાઓ દ્વારા જાણવા મળશે….. આમા પણ આપના કિંમતી બહુમુલ્ય અભિપ્રાયોની જરુર પડ્શે…. આપશો ને  ?????

Posted by: narendrajagtap | મે 9, 2010

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!

Categories

Follow

Get every new post delivered to your Inbox.